એક યુવાન ઓલિમ્પિકની રમતોમાં તરવાની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા કુટુંબમાં એનો ઉછેર થયો હતો.
એક દિવસ રાત્રે નવ વાગ્યે એ એના ઘરની બાજુના જાહેર સ્નાનાગરમાં પહોંચ્યો. સ્વિમિંગ પુલની બધી જ લાઇટો બંધ જોઈને એને નવાઈ લાગી. સ્વિમિંગ પુલની આજુબાજુની ઊંચી દીવાલોને કારણે અંધારું પણ ઘણું જ લાગતું હતું. પોતાની ધૂનમાં મસ્ત એ કૂદકો મારવાના સૌથી ઊંચા પાટિયા-ડાઇવિંગ બોર્ડ સુધી પહોંચ્યો. કૂદકો મારવા પાટિયા પર ઊંધો ઊભો રહીને બંને હાથ પહોળા કર્યા. એ જ સમયે પાછળના રોડ પરની લાઇટના લીધે સામેના બિલ્ડિંગ પર પડતો પોતાનો જ વિશાળ પડછાયો એની નજરે પડ્યો. પહોળા કરેલા હાથ અને ઊંચા માથાના વાળને કારણે એને પડછાયો શ્રીકૃષ્ણ જેવો લાગ્યો. આવું દ્શ્ય જોતાં જ એના દિલમાં આસ્થાનો એક આવેગ આવી ગયો. કૂદકો મારવાનું બે ક્ષણ માટે મુલતવી રાખીને એ પ્રાર્થના કરવા માટે ઝૂક્યો અને મોટેથી બોલી ઊઠ્યો, ભગવાન ! મારા પર કૃપા રાખજો !
જોરથી બોલાયેલા એના શબ્દો સાંભળી પુલની રખેવાળી કરતા ચોકીદારે સ્વિમિંગ પુલની બધી લાઇટ્સ ચાલુ કરી દીધી. અચાનક પથરાઈ ગયેલા અજવાળાને કારણે પેલા યુવાને નીચે જોયું. એ સ્તબ્ધ અને ગળગળો થઈ ગયો. એ દિવસે સાફસૂફી માટે સ્વિમિંગ પુલ ખાલી કરી નાખવામાં આવ્યો હતો. એમાં જરા પણ પાણી નહોતું. જો એણે કૂદકો મારી દીધો હોત તો ? એવો વિચાર પણ એને ધ્રુજાવી ગયો. ખરેખર ભગવાને એની પ્રાર્થના સાંભળી હતી. એ યુવાન ક્યાંય સુધી ઝૂકીને આંસુ ટપકતી આંખે ભગવાનનો આભાર માનતો બેસી રહ્યો.
ખરેખર ! એને યાદ કરીએ અને એ ન સાંભળે એવું ક્યારેય બનતું નથી. બસ, જરૂર હોય છે એને દિલથી સાદ પાડવાની.