વિખ્યાત જીનિયસ કલાકાર ચાર્લી ચેપ્લિને એની દીકરી અને યશસ્વી અભિનેત્રી જીર્લ્ડાઈન ચેપ્લિનને જે શિખામણ આપતા પત્રો લખ્યા હતા એમના કેટલાક પત્રો આપ સહુ મિત્રો સાથે શેર કરું છું. તમે જીર્લ્ડાઈન ચેપ્લિનને " ડો ઝિવાગો " ફિલ્મમાં ઓમર શરીફ સાથે અભિનય કરતી જોઈ હશે ચાર્લી દીકરીને લખે છે એના એકેએક શબ્દમાં જીવતા ઇન્સાનની ખૂશ્બૂ છે.
વ્હાલી દીકરી
" લોકોની તાળીઓના ગડગડાટમાં તને આ શબ્દો સંભળાશે? આ છોકરી એક બુઢ્ઢા વિદૂષકની દીકરી છે. એનું નામ ચાર્લી હતું " તું પેરિસમાં જે જગ્યાએ રહે છે તે નાચગાનથી વિશેષ કઈ નથી. મધરાતે તું શો પતાવીને થિયેટરની બહાર નિકળીને ઘેર જવા માટે ટેક્સીમાં બેસ ત્યારે તાળીઓ અને વાહ વાહને ભૂલીને ટેક્સીવાળાને એ પૂછવાનું ભૂલતી નહિ કે " તારી વાઈફ મજામાં છે ને ?તારા બાળકોના ઉછેર માટે તારી પાસે પૈસા છે ?દવાદારૂ માટે પૈસા છે ? ટેક્સીવાળો ગરીબ હોય તો એના ખિસ્સામાં પૈસા નાખવાનું ભૂલતી નહિ, અને સાંભળ, મેં તારા બેંક ખાતામાં તારા ખર્ચ માટે રકમ ભરી દીધી છે. ખર્ચ કરતા પહેલા વિચાર કરજે ક્યારેક બસમાં પ્રવાસ કર,નાના રસ્તાઓ પર પ્રવાસ કર,ક્યારેક પગે ચાલીને શોપિંગ કરવા જજે, અનાથો માટે પ્રેમ રાખજે અને દિવસમાં એકવાર તું તારી જાતને એ કહેવાનું ભૂલતી નહિ કે હું પણ એ ગરીબ અને અનાથોમાની જ એક છું તને જે દિવસે એવું લાગે કે હું આ દર્શકો અને ભાવકો કરતા બહુ મોટી છું એ દિવસે જ તું રંગમંચ છોડી દેજે અને ટેક્સી પકડીને પેરિસની કોઈ પણ ગલીમાં પહોંચી જજે જ્યાં તને તારા જેવી અનેક નર્તકીઓ મળશે એમાં કેટલીક નર્તકીઓ તારા કરતા વધુ સુંદર અને પ્રતિભાશાળી હશે પણ એની પાસે પ્રસિદ્ધિ અને રંગમંચનો ઝગમગાટ નથી.આકાશનો ચંદ્ર એ જ એનું સર્ચલાઈટ છે. કુદરતનો નિયમ છે કે કોઈને કોઈ તારાથી વધુ પ્રતિભાશાળી હશે જ પણ તે ગુમનામ છે તને ખબર છે કે હું એક ભૂખ્યો વિદુષક હતો. લંડનના ગરીબ વિસ્તારોમાં નાચગાન કરીને મેં પેટ ભર્યું છે.પેટની ભૂખ શું હોય છે એની મને ખબર છે. તારું આ નૃત્ય, તારો આ અભિનય, પ્રેક્ષકોની તાળીઓ, વાહ વાહ ના પોકારો તને યશના શિખરો ઉપર બેસાડી દેશે તું ખૂબ ઊંચે જા.પણ તારા નૃત્ય કરતા પગને કાયમ જમીન પર રાખજે
તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે
ચાર્લી "
ચાર્લી ચેપ્લિને એના સિત્તેરમા જન્મદિવસે કહ્યું હતું એની સ્મૃતિ એકદમ યાદ આવી ગઈ છે. ચાર્લીએ લખ્યું હતું કે " હવે મેં મારી જાતને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું છે."વાત સાચી છે. આખી જિંદગી જે માત્ર બીજાઓનો જ વિચાર કરીને જીવતો હોય છે તે માનવી આ વિશ્વમાં સાવ એકલો જ હોય છે. ચાર્લી લખે છે : " As I began to love myself I recognized that my mind can disturb me and it can make me sick But As I connected it to my heart, my mind became a valuable ally. Today I call this connection Wisdom of the Heart "