વર્લ્ડ કપ 2015 શરૂ થવાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ તેમ પ્રશંસકો વચ્ચે રોમાંચ વધી રહ્યો છે. આઈસીસી આ વર્લ્ડ કપ માં હજુ દર્શકોની સંખ્યા વધારવા માગે છે. વર્લ્ડ કપ 1975 થી વર્લ્ડ કપ 2011 સુધી દર્શકોની સંખ્યા 47 ટકા વધી છે.આઈસીસી હજુ આ આંકડો વધારવા માંગે છે. આ માટે આઈસીસી એ તૈયારી કરી લીધી છે અને આ વર્લ્ડ કપ ને બીજા વર્લ્ડ કપ કરતા રોમાંચક બનાવવા માંગે છે. વન-ડે મેચને રોમાંચક બનાવવા અએસીસીએ કેટલાક નિયમો બનાવ્યા છે. જાણકારોના માટે આ નવા નિયમો થી ક્રિકેટનો મહાકુંભ વધારે રસપ્રદ બનશે. ક્રિકેટ ટીમો માટે આ પડકાર વધી જશે પણ દર્શકોને મજા આવશે.
આ છે નવો નિયમ
14 ફેબ્રુઆરીથી વન-ડે મેચમાં આખી એક ઇનિંગ્સ દરમિયાન 30 યાર્ડના ઘેરામાં પાંચ ફિલ્ડરોનું રહેવં ફરજીયાત કરી દીધું છે.
શું પડશે અસર
આ નવા નિયમના કારણે કેપ્ટનો ઉપર અંતિમ ઇલેવનમાં પાંચ બોલરોને સમાવેશ કરવાનું દબાણ વધી ગયું છે. ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ના મતે કોઈપણ કેપ્ટને હવે પાર્ટ ટાઇમ બોલરથી કામ ચલાવવું ભારે પડશે. કેપ્ટને હવે અલગ રણનિતી બનાવવી પડશે અને પાંચ બોલરોને મેદાનમાં ઉતારવા પડશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના મેદાનો ઘણા મોટા છે, તેથી બાઉન્ડ્રી લાઇન ખાલી પણ ન રાખી શકાય.
બે નવા બોલ
હવે દરેક ઇનિંગ્સમાં બે નવા બોલનો ઉપયોગ કરવો ફરજીયાત છે. દરેક છેડેથી અલગ-અલગ બોલનો ઉપયોગ કરવામાં આવશે.
શુ પડશે અસર
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની પિચો ઉપર નવો બોલ લેવાથી ફાસ્ટ બોલરોને વિકેટ ઝડપવાની તક મળશે. બીજી તરફ બેટ્સમેનોનો શોટ ઝડપથી બાઉન્ડ્રી લાઇન તરફ જશે. આવા સમયે બેટ્સમેન અનુભવી નહી હોય તો તેનું ટકી રહેવું મુશ્કેલ બની જશે. બોલ વધારે સ્વિંગ થશે.
બે પાવરપ્લે
આ વર્લ્ડકપથી દરેક ઇનિંગ્સમાં ત્રણના સ્થાને ફક્ત બે જ પાવરપ્લે રાખવામા આવ્યા છે. પ્રથમ 10 ઓવર સુધીનો ફરજીયાત પાવરપ્લે છે. આ પછી બેટિંગ સાઇડનો પાંચ ઓવરનો બીજો પાવરપ્લે 40 ઓવર પહેલા લેવો પડશે.
શુ પડશે અસર
બેટિંગ કરી રહેલી ટીમ પોતાની અનુકુળતા પ્રમાણે પાવરપ્લેનો ઉપયોગ કરી શકે છે. બીજો પાવરપ્લે 40 ઓવર પહેલા પહેલા લેવાનો હોવાથી દર્શકોને પણ વધારે બાઉન્ડ્રી જોવા મળી શકે છે. 40 ઓવર પછી અંતિમ 10 ઓવરમાં બધી ટીમો ઝડપી જ રન બનાવે છે તેથી દર્શકો 10 ઓવર ઉપરાંત પાંચ ઓવરમાં પણ ઝડપથી રન બનતા જોઈ શકશે.
રનરની મંજુરી નહી
મેચ દરમિયાન જો કોઈ બેટ્સમેન ઈજાગ્રસ્ત બની જાય તો પણ તેને રનર લેવાની મંજુરી આપવામાં આવશે નહી. બેટ્સમેનને ઈજા હોય તો પણ તેણે જાતે રન દોડવા પડશે.
શુ પડશે અસર
આ નિયમના કારણે બેટિંગ કરનારી ટીમને નુકશાન થશે. બેટ્સમેને કેટલાક રન જતા કરવા પડશે અથવા ફક્ત બાઉન્ડ્રી ઉપર મદાર રાખવો પડશે.
નોન સ્ટ્રાઇકિંગ થઈ જશે આઉટ
બોલિંગ દરમિયાન નોન સ્ટ્રાઇકર બેટ્સમેન ક્રિઝની બહાર ઉભો હશે તો બોલર બોલ નાખ્યા પહેલા તેને રન આઉટ કરી શકે છે.
શુ પડશે અસર
કોઈ નોન સ્ટ્રાઇકર બેટ્સમેન બોલ ફેંક્યા પહેલા ક્રિઝની બહાર નહી નિકળે. રોમાંચક સ્થિતિમાં બેટિંગ કરનારી ટીમ ઉપર દબાણ રહેશે, કારણ કે આવી સ્થિતિમાં પહેલા બેટ્સમેન બોલ ફેંક્યા વગર દોડી જતા હતા.
હોટસ્પોટ અને સ્નીકોમીટરનો ઉપયોગ
આ વખતે વર્લ્ડકપમાં ડિસીઝન રિવ્યું સિસ્ટમ(ડીઆરએસ)ના અંતર્ગત હોટસ્પોટ અને રિયલ ટાઇમ સ્નીકોમીટર ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે. 2011ના વર્લ્ડકપમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થયો ન હતો.
શુ પડશે અસર
આ બન્ને ટેકનિકની મદદથી ડીઆરએસ વધારે સચોટ સાબિત થશે. જોકે હોટસ્પોટ ટેકનિકને લઈને સવાલો ઉભા થયા છે. બીજી તરફ આઈસીસીએ દાવો કર્યો છે કે આ વખતે વર્લ્ડકપમાં ડીઆરએસથી બધી ટીમો પ્રભાવિત થશે અને વિરોધ કરનારી ટીમો પણ તેના પક્ષમાં આવી જશે. ઉલ્લેખનિય છે કે બીસીસીઆઈ આ ટેકનોલોજીનો વિરોધ કરે છે.