ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.
ચાલો, આ મહાન વિજ્ઞાનીના જીવનને જાણીએ. વિજ્ઞાન વારસો રામનના પિતાજી ચંદ્રશેખર પણ ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક થયા હતા. આમ, બાળક વેંકટને નાનપણથી જ ભૌતિક વિજ્ઞાનનો વારસો મળ્યો હતો.એક પ્રતિભાશાળી વિજ્ઞાની આપણા દેશમાં થઇ ગયા. એમણે પોતાના જીવન દરમિયાન ૪૬૫ જેટલાં પ્રકાશનોથી આ જગતને આશ્ચર્યચકિત કરી દીધું. ધ્વનિ પ્રકાશ, રંગ, ખનીજ, ફૂલોના રંગો જેવી બાબતોમાં એમનું મહામૂલું પ્રદાન છે. જન્મસ્થળ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિન્દુ, બ્રાહ્નણ પરિવારમાં ૭ નવેમ્બર, ૧૮૮૮ના રોજ સર સી.વી. રામનનો જન્મ થયો. અભ્યાસ અને પ્રયોગો અગિયાર વરસનીનાની વયે રામને મેટ્રિકની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી હતી.આગળ અભ્યાસ માટે ૧૯૦૨ના વર્ષમાં તેઓ ચેન્નઇની જાણીતી પ્રેસિડન્સી કોલેજમાં જોડાયા. આ કોલેજમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર ઇલિયટ હતા. આ નાનકડા વિદ્યાર્થીને જોતાં જ તેઓ બોલી ઊઠ્યા, ‘બાબા, તારી ઉંમર કેટલી?’ રામને જવાબમાં ૧૩ વર્ષ કહ્યું ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. ૧૯૦૪માં બી.એસસી.ની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાનના વિષય સાથે કોલેજમાં રામન પ્રથમ નંબરે પાસ થયા. આ માટે સુવર્ણચંદ્રક પણ મળ્યો. અહીં જ તેમણે પ્રિય વિષય ભૌતિક વિજ્ઞાન સાથે એમ.એસસી.નો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની સાથોસાથ તેઓ આપમેળે જ કોલેજમાં પ્રયોગો કરતા હતા. આ પ્રયોગોના પરિણામે એમણે પ્રકાશના વિવર્તન અંગે સંશોધન કર્યું. એમાં એમને સફળતા પણ મળી. રામને આ શોધના આધારે લેખ તૈયાર કર્યો અને લંડનના એક સંશોધન સામિયકમાં છપાવા મોકલ્યો. આ લેખ સ્વીકારાયો અને નવેમ્બર ૧૯૦૬ના અંકમાં છપાયો. ત્યાર પછી રામને ત્રિપાર્શ્વ કાચનો પ્રયોગ હાથમાં લીધો. આ પ્રયોગ કરતાં કરતાં એમણે વિશિષ્ટ પ્રકારના પ્રકાશની શોધ કરી. આ રીતે રામને પ્રયોગો કરતાં કરતાં અનેક સિદ્ધિહાંસલ કરી. નાણાખાતામાં નોકરી દરમિયાન પણ તેમના ઘણા સંશોધન લેખ પ્રગટ થયા. દરમિયાન કોલકાતા યુનિવર્સિટીમાં રામનની ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમણૂક થઈ. સોળ વર્ષ કોલકાતા યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ તેઓ બેંગલુરુમાં ‘ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’માં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે જોડાયા. છેલ્લે તેમણે ‘રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’માં સેવા આપી હતી. ઇ.સ.૧૯૬૪માં એમને ‘ભારતરત્ન’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. નવેમ્બર ૨૧, ૧૯૭૦ના રોજ બેંગલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તેમના રહેઠાણમાં તેમનું નિધન થયું. રામને તેમના જીવનકાળ દરમિયાન અગત્યનું સંશોધન કાર્ય કર્યું હતું. આવા હતા આપણા આ મહાન ભારતીય વૈજ્ઞાનિક!
સંશોધને અપાવી સિદ્ધિસર સી.વી. રામને બિલોરી કાચમાંથી પ્રકાશનું કિરણ પસાર કરી જોયું. એમણે શોધી કાઢયું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે. પારદર્શક પ્રવાહીમાંથી પણ પ્રકાશનું કિરણ પસાર કરી જોયું, તો એમને જુદાં જુદાં રંગની રેખાઓ દેખાઇ. આ સંશોધનને એમણે ‘રામન ઈફેકટ’ નામ આપ્યું. એની વ્યાખ્યા એમણે આ રીતે આપી, ‘જો પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય તોપ્રકાશની તરંગલંબાઇમાં ફેરફાર થતો નથી. પરંતુ જો એનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઇમાં ફેરફાર માલૂમ પડે છે.’